ચાલને ફરી પ્રેમમાં પડીએ
ચાલને ફરી પ્રેમમાં પડીએ

જૂનું સઘળું ભૂલી જઈએ, ચાલને ફરી પ્રેમમાં પડીએ,
થોડું યાદ કરી લઈએ, ચાલને ફરી પ્રેમમાં પડીએ.
આમ તો રોજ મોજમાં જ રહીએ,
હસતાં-રમતાં જીવતાં જઈએ;
લાગણીના નિર્મળ જળમાં વહીએ, ચાલને ફરી પ્રેમમાં પડીએ,
જૂનું સઘળું ભૂલી જઈએ, ચાલને ફરી પ્રેમમાં પડીએ.
બોલીએ તો જાણે વહે સરગમના સૂર,
આતમ આપણો કદી' કયાં થયો છે દૂર!
વાણીના સપ્તસૂરોમાં ગુંજીએ, ચાલને ફરી પ્રેમમાં પડીએ,
જૂનું સઘળું ભૂલી જઈએ, ચાલને ફરી પ્રેમમાં પડીએ.
ફૂલોની કયારી જાણે આપણું આસ્થાસ્થાન,
તુલસીના કયારે પણ આપણું એટલું જ માન;
ફૂલોની મહેકને નિજ હૈયે ભરીએ, ચાલને ફરી પ્રેમમાં પડીએ,
જૂનું સઘળું ભૂલી જઈએ, ચાલને ફરી પ્રેમમાં પડીએ.
આતમના મંદિરિયે પ્રભુને પધરાવીએ,
હૈયાના હેતનો દીપ પ્રગટાવીએ;
ડગમગ ડગલે ફરી ઝૂમીએ, ચાલને ફરી પ્રેમમાં પડીએ,
જૂનું સઘળું ભૂલી જઈએ, ચાલને ફરી પ્રેમમાં પડીએ.