સામસામે
સામસામે
ઓચિંતા અથડાયા એક દિ’ અમે સામસામે,
દર્પણ દેખાયું વીતેલી યાદોનું અમને સામસામે,
નયનો બન્યા દ્રષ્ટિથી લાચાર,
ફૂટ્યા ટશિયા બન્નેને સામસામે.
મૌન બન્યો સહારો અને પલકારની એ વાચા,
શબ્દો વગર કરી અમે ગુફ્તગુ સામસામે,
વેદના હતી એ વિરહની કે હતો મળવાનો ઉમળકો,
આંસુ અને સ્મિત બેઉને સંતાડ્યા અમે સામસામે.
ફાનસમાં જમવું અને ઝૂંપડામાં રહેવું,
કૈક કસમો વાગોળી પળવાર અમે સામસામે,
હતો કોઈ “અર્થ” ઓચિંતી આ મુલાકાતનો?
માની એક સપનું રસ્તાઓ બદલ્યા અમે સામસામે.