ગઝલ - અઘરો કોયડો
ગઝલ - અઘરો કોયડો
ખૂલી શકી ના જે મડાગાંઠો – હું એની જોડ છું;
છું આમ અઘરો કોયડો 'ને આમ એનો તોડ છું,
લોકો મથ્યા કરશે સમજવા, બાદમાં થાકી જશે,
ધોળાવીરાનું વણઉકેલ્યું અઘરું સાઇનબૉર્ડ છું,
બહુ સરભરાથી ઊછરી મોટો થયો છે દોસ્ત તું,
હું આપમેળે ભીંત ફાડીને ઊગેલો છોડ છું,
હાંફી જઈશ તું અડધે આવીને, નહીં આંબી શકે,
ખેલાડી ટૂંકી દોડના ! હું ખૂબ લાબી દોડ છું,
કોઈ એક સ્થાને આવીને રસ્તો પૂરો થાશે નહીં,
તું અંત જેને માને છે ત્યાંથી નીકળતો મોડ છું,
તું સાવ સીધી વાતનો લાંબોલચક વિસ્તાર છે,
'ને હું બધી અસ્પષ્ટતાનો સાવ ટૂંકો ફોડ છું.