સંશય નથી
સંશય નથી
નકલી ફૂલોના મહેંકવા પર જેમને સંશય નથી,
એ સૌ કહે છે, ખુશ્બૂ પારખવાની તારી વય નથી,
સંચાર છે એનો નિરંતર આ સકલ અસ્તિત્વમાં,
સર્વત્ર ચેતન તત્ત્વ છે એ કોણ જેનો ક્ષય નથી ?
સિદ્ધાંત છોડી જીતવું ના પાલવે હરગિસ મને,
સિદ્ધાંત છોડી મેળવેલી જીત એ કંઈ જય નથી,
સંબંધના કુરુક્ષેત્રમાં છે કોણ કોનું શી ખબર !
છું લાગણીમાં અંધ 'ને પાસે કોઈ સંજય નથી,
લોકો કહે છે, કેફ ચડવા લાગે છે જોઈ ફકત,
મારાં નયન તો બસ નયન છે કંઈ નશીલો મય નથી,
બે-ચાર શબ્દો જોડીને એ પણ ગણે ખુદને કવિ,
જેની ગઝલમાં છંદ કે જેના ગીતોમાં લય નથી,
પીએચ, ડી, કરવું જ હો તારે તો કર મારી ઉપર;
રીસર્ચનો મારાથી ઉત્તમ અન્ય કોઈ વિષય નથી,
પહોંચી શક્યા ના જે દલીલોમાં કહે છે એ વડીલ,
"તારી હજી તો પંચ સામે બોલવાની વય નથી",
આવ્યો ક્ષિતિજે સૂર્ય હમણાં આથમ્યો કે આથમ્યો;
છો આથમે, અંધારનો સહેજે 'પ્રદીપ'ને ભય નથી.