ઘડપણ
ઘડપણ
લડખડાતા કદમને નશો ન માનો,
વીતેલી જિંદગીનો હું હિસ્સો છું,
હા....હું....ઘડપણ છું.
શબ્દની સીમા જ્યાં પૂરી થાય,
એ પછીના મૌનનો હું વિસ્તાર છું,
હા....હું....ઘડપણ છું.
તમને શું ખબર પડે આમાં ?
બસ એજ વાક્યનો હું વિરામ છું,
હા....હું....ઘડપણ છું.
આ કરચલીઓનું કાળમીંઢ હોવું,
ઝાંખપ, ખાલીપો, વેદના ને પીડા છું,
હા....હું....ઘડપણ છું.
એકલતાનું અંધારુને મેણાં ટોણાનો મારો,
હવે કદી ન વાગે ઈ બસૂરો પાવો છું,
હા....હું....ઘડપણ છું.
ફળે ન આશીર્વાદ બ્રહ્મા, વિષ્ણુ કે મહેશથી,
પણ હા હું ઈ આશીર્વાદનો દાતા છું,
હા....હું....ઘડપણ છું.
