દિવાળી
દિવાળી
હૈયા થકી પ્રગટે હૈયું ને ઝળકી ઊઠે દિવાળી,
પાંપણ ઉપર હેત છલકે, પમરી ઊઠે દિવાળી...
ઉમંગની ઉમટે આતશબાજી ને, ચમકે દિવાળી,
સંબંધના સઘળા સળ મટતા, આવી આ દિવાળી...
ક્યાંક ચકરડી સમજણ કેરી ક્યાંક ત્યાગની ફૂલઝરી,
રંગોળી આ લાગણી કેરી, રંગ છાંટણા દિવાળી...
ચમકારા આ જ્યોતિપુંજના અજવાળે મનની બારી,
તોરણ સુખના સર્વ હૃદયમાં ઝૂલાવતી આ દિવાળી...
હોઠ મલકે સ્નેહપ્રચૂર ને શબ્દોની આ હેત સવારી,
મતભેદોની હવે શું વિસાત ? આવી ગઈ આ દિવાળી...
નવી નેમ સંગ નવા વરસને પ્રેમપુષ્પથી શણગારી,
સાકાર થતા સંકલ્પોને અજવાળતી આ દિવાળી...
હૈયા થકી પ્રગટે હૈયું ને ઝળકી ઊઠે દિવાળી,
પાંપણ ઉપર હેત છલકે, પમરી ઊઠે દિવાળી.