ઉંબરો
ઉંબરો


ઓળંગી આંગણું રૂડું આવી ઘર કેરી ઓસરી
આડો આવ્યો ઉંબરો ને ઓસરી ગઈ ઓસરી,
નીચે ઉંબરો વળી શિર પર ટોડલો બારસાખ
આગંતુક ગૃહપ્રવેશે તળિયે કાષ્ટ દ્વારની શાખ,
ઉંબરો કુદ્યા જ્યાં શિશુ તરુણ વયે સહસ્ત્ર વાર
જીર્ણ વયે ઉંબરો લાગે ડુંગરો પાય કરે પ્રહાર,
મુગ્ધવયે ઉંબર બળતો મૂકી ગ્યા ડુંગર ઠારવા
કર્યા રખોપા અગોચર જીવજંત ને જળ વારવા,
રિસાયા મનાવ્યા ઉંબરે સાક્ષી ભાવે કંઈક બાળ
પીગળ્યાં હૈયા બળ્યા દિલ આવ્યા કેટલા આળ,
મૂકપ્રેક્ષક દેખી રહ્યો રાતે ચોર આવ્યા ચોરવા
તરસ્યો રહ્યો ગૃહ જનો પીતા સર્વે દહીં ઘોરવા,
ઓળંગી આંગણું રૂડું આવી ઘર કેરી ઓસરી
બદલાયા હવે રૂપ ઘરના જિંદગી ગઈ સરી.