સરદારનું ગીત - ર
સરદારનું ગીત - ર
માતા-પિતા
વીર બાળકના પિતા, નામ જેનું ઝવેર રે;
સ્વામીનારણના ભકત, એ ટકે નહિ ઘેર રે,
નિયમો જાળવી રાખે, નિયમોનું વહાલ રે;
ન ચૂકે પૂનમે તેઓ, જવાનું વડતાલ રે,
એ સ્વતંત્ર મિજાજી છે, કડક છે સ્વભાવ રે;
પંચાત ન કરે તેઓ, રાખતા સમભાવ રે,
ખેતી ખૂબ જ ટૂંકી છે, દસ વીઘા જમીન રે;
ખેતીમાં ધ્યાન આપ્યું નૈ, તેથી રહેલ દીન રે,
નીડરતા રગો માંહે, કોઈથી ન દબાય રે;
સૌ પાસેથી મળે માન, આમન્યા જળવાય રે,
વિપ્લવના સમે પોતે, ઝાંસી લીધેલ ભાગ રે;
હોલ્કરના થયા કેદી, હતા તોયે સજાગ રે,
શતરંજ રમે રાજા, ચાલે ગલત ચાલ રે;
રાજાને શીખ આપે છે, મહોરું આમ હાલ રે,
રાજા ખુશ થયો તેથી, મિત્રો બંને બનેલ રે;
પંચાશીની વયે તેઓ, જગ છોડી ગયેલ રે,
લાડબાઈ ભલાં-ભોળાં, નરમ છે સ્વભાવ રે;
કડવો ભાવ રાખે નૈ, મુખે રે’ મલકાવ રે,
ઘર ચલાવવામાં છે, ખૂબ જ હોશિયાર રે;
શાંતિ પ્રિય સદાયે છે, ગમે નૈ તકરાર રે,
પડોશનું કરે કામ, સૌના માટે ઘસાય રે;
સૌનો પ્રેમ મળે એને, સેવાથી ખુશ થાય રે,
રેંટિયે કાંતવા બેસે, મળતાં નવરાશ રે;
કોઈ એના વિરોધીઓ, મળે નૈ આસપાસ રે,
ધાર્મિક ભાવ તેઓનો, જપતાં પ્રભુનામ રે;
થતા વિધુર કાશીભૈ, કરતાં ઘરકામ રે,
પતિદેવ ગયા એને, વર્ષ વીત્યાં અઢાર રે;
પંચાશીની વયે થ્યાં છે, પતિનાં રાહદાર રે,
**
મા-બાપ વારસો આવો, વલ્લભને ગયાં દઈ;
સંયમશીલતા એને, ઊતરી હાડમાં ગઈ,
(ક્રમશ:)
