અધિક માસ
અધિક માસ


મહિના બાર વસે સૂર્ય દર વર્ષે,
ચંદ્ર વરસ અધિક માસ આકર્ષે,
ફરે ચાંદ ધરા ધરી ધીરી ગતિ,
વસુંધરા સૂર્ય ફરતે કરે પ્રગતિ,
સૂર્ય માસમાં ત્રીસ દિન આશરે,
સત્તાવીસ છે ચંદ્ર માસ વાસ રે,
ઋતુચક્ર સંવાદ સાધે સૂર્ય વર્ષે,
નિશા તેજ તિમિર ચંદ્રમાસ હર્ષે,
હોય નહીં જો અધિક માસ ક્યારે,
ગ્રીષ્મ ઋતુ હોળી દિવાળી ત્યારે,
મથતા મળવા બેઉ એક દિવસે,
પુરુષોત્તમ માસ અઢી વર્ષે વસે,
માગશર, પોષ, ને મહા શિયાળે,
અધિક માસ ત્રણ એ સર્વથા ટાળે,
કારતક ને ફાગણ અધિક જવલ્લે,
શ્રાવણ જેઠની થઈ છે બુરી વલ્લે,
સૈકે શ્રાવણ જેઠ અધિક નવ નવ,
કારતક સદી બેમાં એક અવનવ,
ખીલે ફાગણ સદીમાં એક જ વાર
છે ચૈત્રથી આસો અધિક વારંવાર.