સંતાનને ભૂલીશ નહિ
સંતાનને ભૂલીશ નહિ
ભૂલીશ ભલે બીજું બધું, સંતાનને ભૂલીશ નહિ;
અગણિત છે ફરજો મારી, એને વિસરીશ નહિ,
છોડ એ મારા, એના પર ગુસ્સો કરીશ નહિ,
સંતાનને ઘડવાની આજ્ઞા,આપી મને ઈશ્વરે;
સંતાનનાં ઘડતરમાં ખામી, કોઈ દિન રાખીશ નહિ,
છોડ એ મારા, જેમ વાળીશ એમ વળશે એ વાત ભૂલીશ નહિ,
સંસ્કાર સારા જિંદગીમાં, મારા સિંચાયેલા છે;
સંતાનમાં એ સીંચવાનું, કદી વિસરીશ નહિ,
છોડ એ મારા, ક્રોધમાં સિંચન કરીશ નહિ,
હોવું ભલે અલ્પ નોકરિયાત કે અલ્પશિક્ષિત હું;
સંતાનનાં શિક્ષણ મહીં, પાછો કદી પડીશ નહિ,
છોડ એ મારા, ઉચ્ચશિક્ષિત થતાં રોકીશ નહિ,
જે આપીશ એ પામીશ, જેવો રહીશ તેવા થશે;
જેવા ઘડીશ એવા ઘડાશે, જેવા વાળીશ એવા વળશે,
છોડ એ મારા, વાત એ વિસરીશ નહિ,
ગુણમાં મારાથી સવાયા, નામ એ અમ રાખશે;
ઘડપણ મહીં થાશે સહારો, વાત એ વિસરીશ નહિ,
છોડ એ મારા, મોટા થઈ આપશે મીઠા ફળ એ સ્વાદ લેવો હું ભૂલીશ નહિ,
પ્રેમ આપવો સંતાનને, ફરજ છે પિતાની;
દેન છે ઈશ્વર તણી, જતન કરવું ભૂલીશ નહિ,
છોડ એ મારા, અશ્રુ એના આંખમાં લાવીશ નહિ,
સંતાનનું સુખ સૌથી મોટું, દુઃખ પણ સંતાનથી;
શાંતિ માટે જીવનમાં, સંતાનને ભૂલીશ નહિ,
છોડ એ મારા, પિતા એનો હું, એ વાત વિસરીશ નહિ,
ભૂલીશ ભલે બીજું બધું, સંતાનને ભૂલીશ નહિ.
