શ્રીમંત ને ગરીબની દિવાળી
શ્રીમંત ને ગરીબની દિવાળી
તમારે ઘેર દિવાળી, તમે તો શ્રીમંત.
અમારે ઘેર દિવાળી, અમે તો ગરીબ.
તમારે ઘેર તો મોંઘી લાઈટોની હારમાળા,
અમારે ઘેર માટીનાં કોડિયાની દીપમાળા.
તમારે ઘેર તો પાંચ પકવાનના ભોજન,
અમારે ઘેર એકલું જલેબીનું જમણ.
તમારે દ્વારે તો મોંઘા તોરણ,
અમારે દ્વારે આસોપાલવના તોરણ.
તમારા આંગણે ડિઝાઇનર સંસ્કારભારતીની મોટી રંગોળી,
અમારા આંગણે ટીપકાંની નાની રંગોળી.
તમારે રંગોળીમાં ભરવા સુંદર નવરંગી રંગો,
અમારે રંગોળીમાં ભરવા હળદર, કંકુ, ગળીનાં રંગો.
તમારે ત્યાં મોંઘા સુશોભિત આકાશ કંદિલ,
અમારે ત્યાં સસ્તા કાગળના આકાશ કંદિલ.
તમારા અંગે સુગંધી તેલની માલિશ,
અમારા અંગે કોપરેલ તેલની માલિશ.
તમ
ારે સ્નાન ગોળ મોતી સાબુથી,
અમારે સ્નાન સુગંધી ઉટણથી(લેપથી).
તમારે પહેરવા નવા પાંચ મોંઘા ડ્રેસ અને સાડી,
અમારે પહેરવા એક નવો ડ્રેસ અને સાડી.
તમારે ઘેર હજારો રુપિયાના ફટાકડાં,
અમારે ઘેર સો બસો રુપિયાના ફટાકડાં.
તમારે સજાવટને વિવિધરંગી ગુલાબ ફૂલોના હાર,
અમારે સજાવટને ગલગોટાના ફૂલોના હાર.
તમારે પૂજાને સોના ચાંદીના સિક્કા,
અમારે પૂજાને એક બે રુપિયાના સિક્કા.
તમારે મિષ્ઠાન ફરસાણ ખાવાની મનાઈ,
અમારે મિષ્ઠાન ફરસાણ ખાવાની નવાઈ.
તમારે ઘેર શ્રીમંતાઈની નકલી દિવાળી,
અમારે ઘેર ગરીબાઈની અસલી દિવાળી.
તમારે ને અમારે ઘેર, ચાલો સાથે મળી ઉજવીએ દિવાળી,
કહે "સુનિ" ના રહે એથી કોઈ ઘરની સૂની દિવાળી.