મધર્સ ડે
મધર્સ ડે


ગર્ભનાળના માધ્યમથી
/>
જરૂરી અને જોઈતું બધું જ
પહોંચાડીને
એણે પોતાના અંશમાંથી
મારા અણુએ અણુનું નિર્માણ કર્યું!
છાતીએ વળગાડીને
સર્વોત્તમ પોષણ થકી
મને પોષ્યો, વિકસાવ્યો.
આંજણ કર્યુ.
અાંસુ આવ્યા ત્યારે
આંખ અને આંજણ બન્ને લૂછ્યા!
ચપોચપ તેલ પૂરીને
સાવ સીધી પાથી પાડી આપી
અને પછી,
હું ય જીવનના સાવ સીધા રસ્તે
ચપોચપ ચાલતો
છેક અહીં આવી ગયો!
લાવ, ઋણ ચૂકવું.
અને પછી
મે મહિનાનો બીજો રવિવાર
એના નામે કરી દીધો!
અેને ખબર પડી
ત્યારે હસીને બોલી,
"સાવ ઘેલો જ રહ્યો તું!"
વેઈન ફ્લો ચડાવેલો હાથ
એણે મારા માથે ફેરવ્યો.
હું તાજી પાડેલી સેલ્ફીને
ગેલેરીમાં તાજા બનાવેલા ફોલ્ડરમાં
સેવ કરવામાં પડેલો!
આવતા વેકેશનમાં કદાચ
ન ય અવાય!
અથવા...