પાળીઓ બદલાય છે
પાળીઓ બદલાય છે
1 min
28.1K
રાત-દિવસ પાળીઓ બદલાય છે,
દર્દ આવે છે, ઉદાસી જાય છે.
હાજરી લઈ જાય આવીને પીડા,
આંસુઓનુંં રોજ પણ ચૂકવાય છે.
ઈચ્છાઓ પળવારમાં ફૂટી જતી!
સ્વપ્ન પાછું આંખમાં ધરબાય છે.
જે નથી હોતું, સતત સામું જડે!
હોય છે એ ક્યાં જઈ સંતાય છે?
કેટલો ઊંચે જઈ બેઠો છે એ,
આ બધું એને ય ક્યાં દેખાય છે?
અહીં ગઝલનો માર્ગ લઈ આવ્યો મને;
શબ્દ સાચું તીર્થ છે - સમજાય છે.
