ગધના–ગધનીનું પ્રણયગીત
ગધના–ગધનીનું પ્રણયગીત


ગધનાની આંખોમાં છલકે સરવરિયા બે-ચાર, ગધની એમાં ડૂબી જાય …
ગધનો ખીલે સોળકળાયે નદિયુંની મોજાર… ગધની એમાં ડૂબી જાય …
કમળ એટલે ગધનો
ગધની કમળ પાંદડી જેવી !
વમળ એટલે ગધનો
ગધની ગતિશાસ્ત્રની દેવી !!
ગધનો ઝીલે ઝરમર ઝરમર વરસે અનરાધાર… ગધની એમાં ડૂબી જાય...
ગધનાની આંખોમાં છલકે સરવરિયા બે – ચાર... ગધની એમાં ડૂબી જાય …
કોઈ બગીચો ગધનો
ગધની એના ફરતી વંડી !
મઘમઘ જંગલ ગધનો
ગધની એની તો પગદંડી !
ગધનો ફુગ્ગો ફૂલણશીનો ફૂટે પારાવાર… ગધની એમાં ડૂબી જાય…
ગધનો ખીલે સોળકળાએ નદીયુંની મોજાર... ગધની એમાં ડૂબી જાય...
શબદ એટલે ગધનો
ગધની થાતી કનોમાતર !
પવન એટલે ગધનો
ગધની એના ફરતી ચાદર !
ગધનો અરધો પાણી જેવો અરધો છે પગથાર… ગધની એમાં ડૂબી જાય…
ગધનાની આંખોમાં છલકે સરવરિયા બે – ચાર… ગધની એમાં ડૂબી જાય…