ઘરવાળાને શું કહેવું
ઘરવાળાને શું કહેવું


એક નવી જો માંગુ સાડી, ઘરવાળાને શું કહેવું
કરતા તરત જ રાડારાડી, ઘરવાળાને શું કહેવું.
સગવડ ખાતર સ્કૂટી માંગી તાડૂકીને ના પાડી
પોતે લઇ આવ્યા છે ગાડી, ઘરવાળાને શું કહેવું.
ચાલો ફરવા વેકેશનમાં કીધું ધીરેથી રાત્રે
ઊભા થઇ ચોખ્ખી ના પાડી, ઘરવાળાને શું કહેવું.
માગું જો ગાડીની ચાવી ડર દેખાડી ના આપે
વાત કરે હંમેશા આડી ઘરવાળાને શું કહેવું.
સમજાવી સમજાવી થાકી શીખ ધરે ના કાને એ
પીવે છે રોજે એ તાડી, ઘરવાળાને શું કહેવું.
આજે સાડી પ્હેરી ને મેં પૂછ્યું,"કેવી લાગુ છું?"
બોલ્યા "જિજ્ઞા લાગે જાડી" ઘરવાળાને શું કહેવું