નસીબ કરે તો
નસીબ કરે તો


વાયુ હો સાચી દિશાનો, કોઈ ના ડાકુ મળે,
હો નસીબ જો પાધરાં, મઝધારમાં ટાપુ મળે,
દૂધ ઘાટું ચાયમાં ને હાથમાં છાપું મળે,
એ સવારની વાત શું, જ્યાં ડાચું ના વાંકુ મળે,
સાબુ કોરો, શર્ટનું એકેક બટન સાજું મળે,
કિસ્મતે ચશ્માં ને ચાવી, ફોન સૌ સામું મળે,
એ લકી છે બોય જેને 'શરતો' ના 'લાગુ' મળે,
મસ્ત સાળી, દોસ્ત સાઢુ, ખુશનુમા જાનુ મળે,
રાજરાણી સમ સુખી, જો નર્મદિલ સાસુ મળે,
ગામમાં પિયરિયું, ઘરમાં દાસનું ધાડું મળે,
ભાગ્યથી ના જાળું ભીંતે, હાથ ના ઝાડુ મળે,
હો
રસોડે પણ રજા, ને છોકરું ડાહ્યું મળે,
છે ગનીમત, જીભ પર નહીં, જિમ ઉપર તાળું મળે,
ડાયટિંગ, કસરત કશું ના, લાડુનું ભાણું મળે,
ના હો વરસાદે ભૂવા, ના છત્રીમાં કાણું મળે,
જો નસીબ ચમકે અગર તો લાઈટ પણ ચાલુ મળે,
પૂર્વજોના આશિષે દાટેલું કો' નાણું મળે,
ધોળા ધન વાળાને પણ, સ્વિસ બેંકમાં ખાતું મળે,
જોવો ના ડાઘુ પડે, ના ઘરમાં કો' માંદું મળે,
હો વિધાતાની કૃપા તો આયુ પણ લાંબું મળે,
છે અરજ મારી પ્રભુને, લોક સૌ વ્હાલું મળે,
છો મળે ઝાઝું ન કાંઈ, જે મળે, સાચું મળે.