હું, કવિતા અને
હું, કવિતા અને
હોય પ્લેનમાં કે હોડીમાં કે કારમાં,
કવિતા મારી કાયમ રહી જાય મઝધારમાં,
ન ડુબકીએ ડૂબે, ન તરે તારમાં,
કવિતા મારી કાયમ રહી જાય મઝધારમાં.
કેવી રે આશથી હું પ્રાસ થોડા શોધું ને
વાતાવરણ રચું ખાસ,
ઓચિંતા કામનો પાશ દેતો ત્રાસ અને
કવિતાને ગ્રહે ખંડગ્રાસ,
છેવટ નાખવા પડે શબ્દોને વઘારમાં,
કવિતા મારી કાયમ રહી જાય મઝધારમાં.
નૅસકેફૅ પીને પાછી ફ્રેશ થઈ પેશ થાઉં,
આદરું લખવાની ઝુંબેશ,
ગોન કેસ જેવું આ મગજ કાઢે વેશ
ને ભટકવાનો દઈ દે આદેશ,
કંઈ કેટલાયે વિચારોની ભરમારમાં,
કવિતા મારી કાયમ રહી જાય મઝધારમાં.
હોંશમાં ને જોશમાં, ફિંગર કરી ક્રોસ ને
હું પેપર ને પેન લઉં પોશમાં,
માઈન્ડ વૉશ કરી, સ્પંદનોને ખામોશ કરી,
સપનાં મને લઈ લે આગોશમાં,
મીઠી નીંદરના આંજેલા અંબારમાં,
કવિતા મારી કાયમ રહી જાય મઝધારમાં !
