સળવળે
સળવળે
જ્યાં દુવિધા ને વ્યથાનું યુગ્મ થોડું સળવળે,
લેખની- પાનાં તણું સાયુજ્ય થોડું સળવળે,
પ્રિયજનોનો રાગ દોરે છે મહાભારત ભણી,
કલયુગે ક્યાં કૃષ્ણ છે ? બસ, પાર્થ થોડું સળવળે,
બાણશય્યા લઈ જગત તૈયાર ઊભું છે સદા
મન મહીં જો દૃઢ થઈ કો' ભીષ્મ થોડું સળવળે,
સોનમૃગની લાલચે થાતું હરણ સીતા સમું,
અગ્નિ પામે, ભીતરે જો સત્વ થોડું સળવળે,
મખમલી ભૌતિકતા ભરડો લહે થઈ મેનકા,
આપવા વર જ્યાં રીઝી, પરમાત્મ થોડું સળવળે,
વેદનાનું વાગે વાજું, મોહ મલ્હારી બને,
'આત્મ'નિર્ભર થઈ કદી જો સાંખ્ય થોડું સળવળે,
દીપ ના દેવાલયે, ના આંગી આવશ્યક બને,
ઝળહળે જીવન જો અંતર આત્મ થોડું સળવળે.
