વચ્ચે
વચ્ચે
1 min
267
આશાના દોરડાના મધ્યબિંદુએ,
બજાણીયાની જેમ નાચતી રહેતી,
તારા આવવાની સંભાવનાઓનું સંતુલન,
તારા નકારના ડરથી બગડી જાય છે.
અને એ મઝધારમાં અટવાયેલી,
નૌકાની જેમ હાલકડોલક થવા લાગે છે,
આપણાં પ્રેમના મધ્યાહ્ને ઉતરી
આવેલા આશંકાના અંધારા
ઓળાએ પ્રેમ પર પડદો પાડી દીધો છે.
એ પડદો મધ્યાન્તરનો છે કે સમાપ્તિનો ?
એ વિચારતી હું, મધદરિયે,
ભુલા પડેલા જહાજની જેમ
અહીંથી તહીં ભટકતી રહુ છું.
મધરાતે જોયેલા સપના જેવો તું,
ને તને સાકાર કરવા માગતી હું,
પછી જાગતી જ રહું છું,
કિનારે ઉભેલી, ઝીણું પણ
સતત ઝબુકતી દિવાદાંડીના જેવી.
એ પ્રકાશના સહારે પણ
શું આપણો સંબંધ પાર ઉતરી શકશે ?
ફરી પેલા આશંકાના ઓળા
મારી આસપાસ ઘેરાઈ જાય છે.
