કાગડો ભજીયાવાળો
કાગડો ભજીયાવાળો


કા કા કા કરીને ગીત ગાતો અને મારો વાન કાળો
હું કાગડો ભજીયાવાળો
આંબાનાં ઝાડ નીચે મેં તો નવી મારી દુકાન ખોલી
મારી સંગાથે કામ કરતા રે ખિસકોલી અને હોલી
કાગડો કહેતો લાવો મેથી,મરચાં,તેલ અને ખારો
હું કાગડો ભજીયાવાળો
પંખીઓ કાગડાની દુકાને મોજથી ખાતાં ભજીયા
ઓલી કાબરબાઈ ખાતી નહીં ને કરતી રે કજીયા
કાગડો કહેતો અલી કાબર તું સંભાળ તારો માળો
હું કાગડો ભજીયાવાળો
પોપટ ને મોર ભજીયા ને ચટણી સાથે મરચા ખાતા
કાગડાના ભજીયા ખાવા માટે પંખીઓ ના સમાતા
કાગડો ભજીયા ખાવા આવનારને આપે આવકારો
હું કાગડો ભજીયાવાળો
નાની એવી ચકલી ચાંચથી ખોતરી ભજીયા ખાતી
કોયલબેન તો ભજીયા ખાતાં ખાતાં ગીતો રે ગાતી
સૌ પંખીઓ કાગડાને કહેવા લાગ્યાં ભજીયાવાળો