વાંઢાની વ્યથા
વાંઢાની વ્યથા
હું છું ભૂતપૂર્વ પ્રેમી,
એક સમયે મને પણ પ્રેમ થતો,
પ્રેમ થતો, અને વ્હેમ પણ થતો,
વ્હેમ થતો એ પણ એમ થતો.
એ ના એ ચક્કરમાં હું બિચારો,
૩૦ વર્ષની યે ઉમ્મરે રહી ગયો કુંવારો,
ચાળણીની જેમ મારા દિલમાં હતા એટલા બધા બાખા,
કે લવ મેરેજ ના હવે પડી ગયા હતા ફાંફાં.
પહેલા તો કેટલીયે આના-કાની કરી,
પછી અરીસામાં મે મારી જાતને ધરી,
મારી શકલથી જ્યારે હું ગયો ડરી,
પછી એરેન્જ મેરેજ કરવા મેં હામી ભરી.
કન્યા શોધવાના થયા પ્રયાસ શરૂ,
હજી થોડું ઘણું હતું, મનમાં અભિમાન ખરૂં.
મેરેજ બ્યુરો અને શાદી ડોટ કોમ,
એમ.એ. બી.એ. અને એમ.કોમ. બી.કોમ.
જ્ઞાતી ધર્મ અને બધીજ કોમ,
એકાદ હજાર તો બાયો-ડેટા અને ફોર્મ.
મુલાકાતનો દૌર સૌથી અઘરો,
જેવા છો જ નહીં એવા ખુદને ચિતરો.
અમુકને તો જોતા જ લાગતો હોય ખતરો,
તો યે સવાલ પૂછવાનો કરવો અખતરો.
ઘરના એના ડેલામાં નહોતા સાકળ અને હુંક,
તોયે એણે કીધું એને જોઈશે ‘ગુચી’ ના બુટ,
હવે, હું ફિક્સ પગારનો નોકરીયાત કેમ સમજાવું તને !
મરી મરીને હું જીવું છુ ખુદ.
એકે કહ્યું હું છું નોકરીયાત,
ઘરના કામ કરવાની તું કરતો નહીં વાત.
મે કીધું બેન આપણો મેળ નહીં ખાય,
આખી જિંદગી નહીં ખવાય ટાઢા દાળ ભાત.
એક ને હતું એનું ઘર બહું વ્હાલું,
બોલતી હતી એ એકદમ કાલું કાલું.
એના પપ્પાએ શરત રાખી ઘર જમાઈ બનવાની,
મેં કીધું આ તો ખોટું થઈ ગયું સાલું.
પાંચ મિનિટની એ ખતરનાક મુલાકાત,
બહાર નિકળ્યા નથી કે ના પૂછો વાત !
કેમ રહ્યું ને કેવું રહ્યું ?
બે પળમાં કેમ કાઢવો વ્યક્તિત્વનો હિસાબ.
તો યે છેલ્લે છેલ્લે....
એક નમણાં ચહેરાએ થોડી ઉમ્મીદ જગાડી,
વિચાર મળ્યા ને ચાલી સગપણની ગાડી,
બે જ દિવસમાં થયું ટાઈ ટાઈ ફીશ,
જાણ થઈ કે, મંગળ ને શનિ એ તો મારી કુંડળી બગાડી.
વ્રત વિધિ ને પૂજા પાઠ કરાવ્યા,
તોયે મંગળ કે શનિ કોઈ હાથ ના આવ્યા.
હમણાં ઓચિંતો જઈ ચડેલો એના ઘરે,
એની બેબી એ કહ્યું જુઓ તો મમ્મી મામા આવ્યા !
અંતે કેટલીયે જગ્યાએથી રીજેક્ટ થયો,
ક્યાંક પાછો મને મેળ ના પડ્યો.
વાંઢો રહી જઈશ એવા મ્હેણાની વચ્ચે,
ઉમ્મીદનો તારો મને ક્યાંય ના જડ્યો.
અંતે કહું તો..
આ સંબંધો થયા છે સ્વાર્થના બેનામ,
નોકરી, દૌલત, કાર અને મકાન
મજાક જેવું લાગે છે, આ અહમ નિર્ણયામાં
કે સાલું લગ્ન કરો છો કે, થાઓ છો નિલામ.
