ઈશ્વર ખોવાયો
ઈશ્વર ખોવાયો
છાપામાં છે જાહેરાત ઈશ્વર ખોવાયો,
ઘરે-દરે થાય વાત ઈશ્વર ખોવાયો,
બિલાડી મ્યાઉં કરતી શોધે છે દરમાં,
કૂતરાં પામ્યાં આઘાત ઈશ્વર ખોવાયો,
સૌથી વધુ વ્યાકુળ થઈ છે પેલી કીડી,
ઉપવાસ કર્યા સાત ઈશ્વર ખોવાયો,
કરોળિયે પણ ખૂંદી નાખ્યાં જાળેજાળાં,
પોલીસે માંડી પંચાત ઈશ્વર ખોવાયો,
‘સાગર’ બલાએ જોયો તેને ચીંથરેહાલ,
ભિખારીએ મારી લાત ઈશ્વર ખોવાયો.