જરા, સાંભળો તો ખરાં !
જરા, સાંભળો તો ખરાં !
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
બિંદુ છે બિંદુ મને સિંધુ જેવું લાગે.
પડતાં નામ ગણિતનું મન, હાથ મૂકીને ભાગે.
સમય એક તો ઓછો એમાં ભણવાના બાર પ્રમેય.
જાણે જંગલમાં ઉભા ઉભા થતો હોઉં વિસ્મય.
શૂન્યમન્સક હોઉં ને જાણે ' ડંકા' ઓચિંતા વાગે.
બિંદુ છે બિંદુ મને સિંધુ જેવું લાગે.
ત્રિકોણ મારો ટોપો 'ને ચોરસ બાપુનું આસન,
બાનું વેલણ અવ્યાખ્યાયિત ને વર્તુળ લાગ્યું વાસણ !
આવું સમજાયું મુજને પણ સાહેબ વ્યાખ્યા માગે.
બિંદુ છે બિંદુ મને સિંધુ જેવું લાગે.
ભૂમિતિ ભણતાં ભણતાં મારી મતિનું થયું 'ભૂ '.
ગણતાં ગણતાં ગુમાવ્યું બાળપણ એનું શું ?
X + Y નો દાખલો કંઈ શાક લેવામાં નહીં ચાલે !
બિંદુ છે બિંદુ મને સિંધુ જેવું લાગે.
મારી મચડીને ગણો, દાખલા ગમે તેમ ગણાય !
લાગણી અગણિત 'ને એમાં ગણિત કેમ સમાય ?
ભરવા જાઉં પાત્ર લઇ તો સાહેબ ક્ષેત્રફળ કાઢે !
બિંદુ છે બિંદુ મને સિંધુ જેવું લાગે.