વ્હેમ
વ્હેમ
વ્હેમ છે તમોને કમાલ છીએ રે,
થોડું અંદરથી ઝાંખો તો, ચીંથરેહાલ છીએ રે.
કહેશો નહિં જો શબ્દોમાં, તો ભીંજાશે ઘરની ભીંત.
ભીંની આંખોને જોવાની, છે જગની જુદી રીત.
નીતરતી આંખોનો રૂમાલ છીએ રે,....
....૦ થોડું અંદરથી ઝાંખો તો ,ચીંથરેહાલ છીએ રે.
અમાસ તણી રાતોમાં અમને, યાદ કરી પોકારે.
થોડા અજવાશે હડસેલી અમને, સૌ કોઈ વિસારે.
પથ પર બળતી રે'તી મશાલ છીએ રે.....
....૦ થોડું અંદરથી ઝાંખો તો, ચીંથરેહાલ છીએ રે.
ગજવા હવે નથી રે ખાલી, રોજ નથી 'પડતી'.
દોહ્યલું જીવન જરા નથી હવે, દિવસ રાત સરખી.
પૈસા નહિ; પીડાથી માલામાલ છીએ રે....
....૦ થોડું અંદરથી ઝાંખો તો, ચીંથરેહાલ છીએ રે.
પાંદડીઓથી ઢાંકી રાખ્યાં રે, કાંટા અમે હજાર.
ચૂંટી જનાર પણ અમને શાને, પીડા સહે અપાર?
ખુદ કાંટાને સ્હેતું ગુલાબ છીએ રે....
....૦ થોડું અંદરથી ઝાંખો તો, ચીંથરેહાલ છીએ રે.