વિયોગી
વિયોગી
અંતરની ખરલે લાગણીને વાટી,
'ને ઉમેર્યા છે વ્હાલપના વેણ રેં,
જાણે ક્યારે દીઠશું પિયુંના નૈણ રે !
વિરહીના દુઃખડાની દવા અજાણી,
'ને હૈયામાં ફૂટી શબદ સરવાણી,
મેં તો પીધાં છે પ્યાલા ભરી સેણ રે,
જાણે ક્યારે દીઠશું પિયુંના નૈણ રે !
લીલી વનરાયું ને ટહુકા ભીના,
કામણ ઘણા છે તારી છબીના,
મુને વાયરા વરસાદી મારે મેણ રે,
જાણે ક્યારે દીઠશું પિયુંના નૈણ રે !
સ્મરણો સંગાથે શ્વાસો ટકવ્યા,
'ને તન, મન સાથે સપના સજાવ્યા,
મેં તો કાપી છે આંસુડેથી રેન રે,
જાણે ક્યારે દીઠશું પિયુંના નૈણ રે !
કારણ વિના કેમ વિયોગ સાંપડે ?
વિધી હૈયાની વાતો ન સાંભળે !
મારી કપરી નસીબની લેણદેણ રે.
જાણે ક્યારે દીઠશું પિયુંના નૈણ રે !

