રંગોત્સવ
રંગોત્સવ
વાલમ વ્હાલ એવું વરસાવે રે..
રંગે પ્રેમનાં જીવન ઉભરાવે રે..
મીઠું મુખલડું મલકાવે,
હેત હૈયાનું છલકાવે.
મનડુ વસંત વધાવે,
આઠે પહોર રે...
ખેલ ફાગનાં ખેલાવે,
રંગો પ્રેમનાં રેલાવે,
ભીંજવે રંગોથી,
કાળજની કોર રે...
એવું તન-મન ભીંજાયે,
જેનો રંગ ન જાયે,
થઈને ઘેલો નાચે,
મનડાનો મોર રે....
મટકી માયા કેરી ફોડે,
તાર અંતરના જોડે,
પછી ચાલે એનું,
અંતર પર જોર રે....
શ્યામ રંગ રગેરગે વ્યાપ્યો,
એને અંતરિયે સ્થાપ્યો,
સોંપી હાથ એને,
જીવનની દોર રે.....
પ્યારો જશોદાનો જાયો,
એવો આતમ પર છાયો,
ઊડે 'નંદી' જીવનમાં,
રંગોની છોળ રે.
