મને મંજૂર છે !
મને મંજૂર છે !
બાળપણથી ઘડપણ તણી અવિરત ઘટમાળમાં,
અનેક મીઠાં સંસ્મરણોની વાગોળાતી યાદમાં;
મિત્રવર્તુળ ને સગાંસંબંધીઓની હૂંફ ને સંગાથમાં,
મદમસ્ત બની જીવન જીવવું મને મંજૂર છે !
ક્ષિતિજે પથરાતી સંધ્યાની લાલિમાનાં રંગમાં,
રાતો રંગ ભળ્યો જાણે સાગર તણાં જળમાં;
તેમ કુટુંબ કેરાં વડીલો તણાં અમૂલ્ય ઓછાયામાં,
સંસ્કારનાં પાકાં રંગે રંગાવું મને મંજૂર છે !
પથિક વિરમે ઘનઘોર વડલાની શીતળ છાયામાં,
રહે કુટુંબ અડીખમ જો મોભીઓ હોય પાયામાં;
વ્યવહાર ને સંસ્કાર તણાં સુંદર મજાનાં ઉપવનમાં,
એક કળીની માફક ખીલવું મને મંજૂર છે !
વિચારોની ભિન્નતા છતાં સદા મનમેળ એકમેકમાં,
અતિ અનોખું સૌંદર્ય છે સંબંધોનું આ સંસારમાં;
થોડું પામવાને કાજ કેટલુંય ખોવાની વાટમાં,
હસતાં ન્યોછાવર થવું મને મંજૂર છે !