કોઈ સમજે તો સારું !
કોઈ સમજે તો સારું !
સ્મિતભર્યા ચહેરા ને બોલતી આંખોમાં ઘૂંટાતાં,
અબોલાં વેણના મર્મ ને કોઈ સમજે તો સારું !
અપેક્ષાના દિવાસ્વપનોથી લથબથ મનમાં ઉમળતાં,
અધૂરાં ઓરતાંઓના ભેદને કોઈ સમજે તો સારું !
સાગરના મોજાંની માફક હિલ્લોળે ચડી ઘૂઘવતાં,
સંવેદના ના પ્રતિસાદ ને કોઈ સમજે તો સારું !
વ્યક્તિત્વની ઝાંખીમાં ખોવાયેલાં હૈયામાં છલકાતાં,
અવિરત લાગણીસભર પ્રેમને કોઈ સમજે તો સારું !
"મનસ્વી" ના અંતરના તિમિર ભર્યાં ઓરડે ડોકાતાં,
પ્રેમ રૂપી દિપકના અજવાશને કોઈ સમજે તો સારું !
