જિંદગી
જિંદગી
જિંદગી ફૂલ જેવી સુંદર તો,
ક્યારેક કાંટા જેવી કઠિન છે;
ચડાવ-ઉતારથી સજ્જ આ જિંદગી,
સુખનો સાગર ને દુઃખનો દરિયો છે.
જિંદગી રૂપી અંતરંગી રંગમંચના,
આપણે સૌ કલાકાર છીએ;
ચિત્ર-વિચિત્ર પાત્રો ભજવી,
સૌનું મનોરંજન કરીએ છીએ.
ક્યાંક સંબંધોની માયાજાળ તો,
ક્યાંક વ્યવહારોના ચક્રવ્યૂહ છે;
આ બધું સાચવતો પાંગળો માનવી,
સાચે જ કેટલો મજબૂર છે !
જીવનમાં મળે છે એનું મહત્ત્વ નથી,
ન મળ્યાનું દુઃખ અપાર છે;
અસંતોષી મનની જીજીવિશાનો ,
હૈયે કબજો ભારોભાર છે.
મદ, માયાથી મદમસ્ત માનવી,
આજ ઈશ્વરને ભૂલ્યો છે;
ક્યારેક તો ઈશ્વરની ગોદમાં ઝૂલશું,
એ સત્યનું ભાન તે ભૂલ્યો છે.
સ્વાર્થ અંગે જીવ્યા તો શું જીવ્યા,
નિઃસ્વાર્થપણે પરોપકાર કરવું જિંદગી છે;
જિંદગીનું ગૂઢ રહસ્ય પામનાર સુખી છે,
એ પામવા જતાં કાંટાળી કેડીની જાજમ નક્કી છે.
જિંદગી શું છે એ માણવાની મજા અનેરી છે,
એના સર્જનહારને ભૂલવા એ મોટી મૂર્ખામી છે;
સમજદારને તો "જિંદગી"શબ્દ જ કાફી છે,
અણસમજુ માટે તો બધું બાકી જ બાકી છે.
