મારો દિવસ
મારો દિવસ
જાગીને જોયું તો સવાર પડી ગઈ,
ઘરવાળી મારી કામે ચડી ગઈ.
ઊભાં થાઓ, બ્રશ કરો, ચૂલા પર ચા ચડી ગઈ,
રોજ આ સાંભળવાની મને ટેવ પડી ગઈ.
બ્રશ કરતાં જોયું, ફસાયેલી ભાજી દાંતમાં જ સડી ગઈ,
ડેન્ટિસ્ટની યાદ આવતાં, આંખ મારી રડી ગઈ.
બસની ધક્કામુકીમાં, બાજુવાળા સાથે અડી ગઈ,
ઓફિસના મસ્ટરમાં, લેટ એન્ટ્રી પડી ગઈ, યત્નો ઘણાં છતાં, બોસ સાથે નજર મળી ગઈ.
મૂડમાં નથી સાહેબ આજે, સ્ટાફને પણ ખબર પડી ગઈ,
છૂપી છૂપાઈ નહીં, સૌની જીભે આ જ વાત ચડી ગઈ.
કરતાં કામ ઓફિસનું, સમયની સોગઠી દડી ગઈ,
છૂટ્યા હવે, પણ "કાલે વહેલા આવવા" ની છડી થઈ.
પહોંચીને જોયું, ખોવાયેલી સાંજ પાછી મળી ગઈ,
હાથ મોઢું ધોઈ લ્યો, ચૂલા પર ચા ચડી ગઈ, સ્મિત વેરતી પત્ની, સેવામાં ખડી થઈ.
લાંબી સાંકળની, મજબૂત કડી થઈ,
જીવન જીવવાની જાણે, જડીબુટ્ટી જડી ગઈ.