ડીયર, બોલ, તને એવું ફાવે ?
ડીયર, બોલ, તને એવું ફાવે ?


આંખ મીંચે ને, સપનામાં કોઈ આવે,
આવીને બસ, મસ્તી કરતાં, ખૂબ તને સતાવે,
સપનાંની દુનિયામાં રહીને, દિલને એ બહેલાવે,
ડીયર, બોલ, તને એવું ફાવે?
અલક મલકની વાતોનાં, વાદળ સાથે કોઈ લાવે,
નટખટ એની અદાઓથી, ખૂબ તને હસાવે,
વાદળમાંથી પ્રેમ, હૃદયનો, તુજ પર એ વરસાવે,
ડીયર, બોલ, તને એવું ફાવે?
વાત માનવા નક્કી તારી, બધી જ ભોળા ભાવે,
હામાં હા જી હા કરવા, મસ્તક તરત હલાવે,
હોય નહીં ઈચ્છા તો પણ, ના કહેતાં શરમાવે,
ડીયર, બોલ, તને એવું ફાવે?
પ્રેમને તારા પામવાને, ચણા ખુદ લોઢાના ચાવે,
અશ્રુ ખુદનાં પી જઈને, તને કદી ન રડાવે,
લાગણીઓનાં ઘોડાપુર, તુજ પર એ છલકાવે,
ડીયર, બોલ, તને એવું ફાવે?
સાથ નિભાવે જીવનભરનો, નિ:સ્વાર્થ દોસ્તી દાવે,
પાઠ જીવનનાં અઘરા લાગે, ધીરજથી તને શીખવે,
અંતરની આંટી ઘુંટીને, નિષ્ઠાથી સમજાવે,
ડીયર, બોલ, તને એવું ફાવે?