કાળા અક્ષર
કાળા અક્ષર


"કાળા અક્ષર ભેંસ બરાબર", તો લાલ અને ભૂરાનું શું ?
ભણી ગણીને મોટા થયા, રહ્યાં તો'ય અધૂરા, એનું શું ?
કાળા રંગની પાટી, કે પછી હોય બ્લેક બોર્ડ,
ચોક-પેનથી કંડારેલા, સફેદ અક્ષરો નું શું ?
રંગભેદની આ નીતિ, અક્ષરોને ના સમજાણી,
નિરાક્ષરોની વાત બરાબર, પણ સાક્ષર નું શું ?
અક્ષરની આ દુનિયામાં, શું કાળુ, શું ધોળુંં,
કલ્પનાની પાંખે વિહરતાં, આખે આખા શબ્દોનું શું ?
શબ્દોની માળા ગુંથીને, લખીએ કોઈ કવિતા,
માતૃભાષામાં હજી બરાબર, પણ અન્ય ભાષાનું શું ?
ઊગે છે મનમાં લાખ વિચારો,
વણલખ્યા તો ઠીક, લખાયા એનું શું ?
અક્ષરનો આકાર પામીને,
કાગળ પર મંડાયા, એનું શું ?