મળતું હશે ?
મળતું હશે ?


ધુંધળી નજરને દેખતી કરવા, ચશ્માનો સહારો લઈએ,
શું ધુંધળા વિચારોને ઉજાગર કરવા, ચશ્મા કોઈ મળતા હશે ?
ટીકાની વાત કોઈની, કાને ધરવા, યંત્રનો સહારો લઈએ,
શું ખુદની ટીકાને સુણવા, યંત્ર કોઈ મળતું હશે ?
પ્રશંસા ખુદની, જગતમાં કરવા, એમ્પ્લીફાયરનો સહારો લઈએ,
શું પ્રશંસા અન્યની, ખુશીથી કરવા, એમ્પ્લીફાયર કોઈ મળતું હશે ?
કથા નીજ જીવનની લખવા, કલમનો સહારો લઈએ,
શું વ્યથા પરાયા માનવીની લખવા, કલમ કોઈ મળતી હશે ?
બીમારી કાયાની દૂર કરવા, દવાઓનો સહારો લઈએ,
શું બીમાર મનને દુરસ્ત કરવા, દવા કોઈ મળતી હશે ?
અંધારી રાતમાં, માર્ગ સૂઝવા, દીવાનો સહારો લઈએ,
શું અંધારા હૃદયને પ્રકાશિત કરવા, દીવો કોઈ મળતો હશે ?
ગમે જે વસ્તુ, પ્રભુથી માંગવા, પ્રાર્થનાનો સહારો લઈએ,
શું ગમતી ખુશી, રંકને આપવા, પ્રાર્થના કોઈ કરાતી હશે ?
નજારો દ્રશ્યનો, શબ્દાંકિત કરવા, કવિતાનો સહારો લઈએ,
શું અદ્રશ્ય વેદનાને કહેવા, કવિતા કોઈ લખાતી હશે ?