કસ્તુરીની ગંધ
કસ્તુરીની ગંધ
નાભીમાં કસ્તુરીની ગંધ લઈને દોડતો રહ્યો,
પૂરપાટ ભાગી રહેલી જિંદગીને આમ જ જોડતો રહ્યો.
ઝાંઝવાનાં જળને સમજીને સાચું, જાતને એમાં બોળતો રહ્યો,
દ્રશ્યની ઝાંખપને સ્પષ્ટ કરવા, આંખોને ચોળતો રહ્યો.
પવનવેગે ઊડી રહેલા, વિચારોનાં અશ્વોને ખીલે ખોડતો રહ્યો,
રાહમાં આવતા દરેક મોડ પર, જીવનરથને મોડતો રહ્યો.
પ્રેમમાં કોઈના શું પડ્યો, નિયમ બધા જ તોડતો રહ્યો,
જાણ બહાર એની, પાછળ નિશાન છોડતો રહ્યો.
સુખ દુઃખનો હોય ભાર જુદો છતાં, એક જ ત્રાજવે તોળતો રહ્યો,
અંતરમાં છૂપાયેલા સુખને સાચા, બહારી જગતમાં ખોળતો રહ્યો.