મોજે દરિયા
મોજે દરિયા
જીવન આખું, હોય ભલેને, કામ અનોખા કરિયા,
ભવસાગરને પાર ઉતરવા, સામા કાંઠે તરિયા,
તો પણ,
પૂછે જો કોઈ હાલ અમારા, મળશે એક જવાબ,
આપણે તો ભાઈ મોજે દરિયા.
બંગલા, મોટર, રાચરચીલાં, જીવન આખું હપતા ભરિયા,
ધનથી વિસ્તરવા ની સાથે, મનથી કદી ન ઠરિયા,
તો પણ,
પૂછે જો કોઈ હાલ અમારા, મળશે એક જવાબ,
આપણે તો ભાઈ મોજે દરિયા.
જાણવા છતાં જરૂરી વાત, પહેલું સુખ તે જાતે નરિયા,
જીવન એવું જીવી રહ્યાં, નહીં જીવીયા, નહીં મરિયા,
તો પણ,
પૂછે જો કોઈ હાલ અમારા, મળશે એક જવાબ,
આપણે તો ભાઈ મોજે દરિયા.
સમજુ ને શાણા મિત્રોના, બોલ ના કાને ધરિયા,
સાદગીને પરિત્યાગી ને, મોહ-માયા, લાલચને વરિયા,
તો પણ,
પૂછે જો કોઈ હાલ અમારા, મળશે એક જવાબ,
આપણે તો ભાઈ મોજે દરિયા.
બેઈમાનીના ચક્કરમાં ઘૂમી, ફેર-ફૂદરડી ફરિયા,
સુખ ને શાંતિ નહીં મળિયા, દુઃખનો ચારો ચરિયા,
ભૌતિકતાના ભેદ-ભરમમાં, મનનાં સુખ-ચૈન હરિયા,
તો પણ,
પૂછે જો કોઈ હાલ અમારા, મળશે એક જવાબ,
આપણે તો ભાઈ મોજે દરિયા.