એને ક્યાં લાંચ આપી શકાય છે
એને ક્યાં લાંચ આપી શકાય છે
કડવી વાતોથી રોજ દિલ ઘવાય છે,
કોઈ મલમથી પણ ક્યાં એ ઘાવ રૂઝાય છે !
ક્યારેક પોતાના જ બની જાય પારકા,
ત્યારે માનવી મનમાં ઘણો મૂંઝાય છે,
બકરું કાઢતાં ઊંટ પેસે છે,સમસ્યા રોજ આવે,
સમસ્યાઓને ક્યાં લાકડી મારી કાઢી શકાય છે !
ખુશી હજી મળવા આવે ત્યાં ઉદાસી બહાર જ ઊભી હોય,
આમ ખુશીના ગીતો ક્યાં રોજ ગવાય છે !
કહેવા માટે તો ઘણી હોય છે વાતો,
પણ આમ એને શબ્દોમાં ક્યાં રજૂ કરી શકાય છે !
કહેવા ખાતર તો ઘણાંય પોતાના હોય છે,
પણ આંખોની પીડા એનાથી ક્યાં વાંચી શકાય છે !
હોય જે હૈયે એને હોઠે ક્યાં લાવી શકાય છે !
હોય જેના માટે અઢળક પ્રેમ એને ક્યાં રોજ મળી શકાય છે !
વારંવાર રૂઠે છે આ ભાગ્ય મારું,
એને ક્યાં લાંચ આપી મનાવી શકાય છે !
