"વાગે નહિં વાંસળી"
"વાગે નહિં વાંસળી"
તારા વિના કાનુડા વાગે નહિ વાંસળી,
શોધે તને રાધિકાની ભીની ભીની આંખડી! ...તારા વિના...
સુની થઈ ગોકુળની શેરીયું સાંકડી,
સુની સુની સૌરભથી પુષ્પોની પાંદડી! ...તારા વિના...
મૂક છે ગોપીઓ ચૂપ એની ઝાંઝરી,
રાસની રમઝટ હવે સપનામાં સાંપડી! ...તારા વિના...
કાજળ માં તો હવે ઘેરાઈ વાદળી,
શ્રાવણ ભાદરવો થઈ મારી આંખડી! ...તારા વિના...
સમયને આ સંજોગોની સાંકળી,
છૂટી ગઈ કાનુડાના હાથેથી વાંસળી! ...તારા વિના...
-રૂપલ સંઘવી "ઋજુ"
