ઊંધિયું પાર્ટી
ઊંધિયું પાર્ટી
આજે એક દોસ્તારની લગ્ન પાર્ટીમાં ઘણા બધા ભેગા થયા યાર,
દોસ્તો સાથે ઊંધિયું માણતા માણતા આવી ગયો એક મસ્ત વિચાર,
અલગ અલગ શાક ભેગા થાય ત્યારે જ ઊંધિયું બને છે જોરદાર,
અલગ અલગ જાતના મળી મિત્રો, જિંદગી બનાવે સદાબહાર,
કોઈ હોય છે બટાકા જેવા જ્યારે જોઈએ ત્યારે મળી રહે,
બધા પ્રસંગો બનાવે સ્વાદિષ્ટ, સખાના અર્થને કરે સાકાર,
અમુક મિત્રો હોય છે રીંગણા જેવા સ્વાદમાં જરા અલગ,
એના ટેસ્ટને ડેવલપ કરીએ તો સ્વાદ આપે પારાવાર,
અમુક મિત્રોની ઉપલબ્ધતા હોય છે પાપડી જેવી મોસમી,
દરેક મોસમમાં એને પામવા છે એક અલગ પડકાર,
અમુક મિત્રોને જોતા જ તમતમતા મરચા આવે યાદ,
એકલા પડે ભારી, બધા હોય સાથે તો સ્વાદનો ભરમાર,
અમુક મિત્રો હોય છે વાલોર અને વાલ જેવા વાયડા,
સખણા તો એ રહી શકે નહીં, વાયડાઈ એમનો જન્મ જાત સંસ્કાર,
અમુક મિત્રો તો હોય છે મેથી જેવા કડવા પણ ગુણકારી,
ખોટી મેથી મારે નહીં, જરૂર પ્રમાણે કરે આપણી દરકાર,
અમુક મિત્રો તો હોય છે સૂરણ અને રતાળુ જેવા ઉપવાસી,
પાર્ટી સાર્ટીના સપનાં એમના થકી થાય સાકાર !
યાદ કરજો ‘સૌરભ’ને, જ્યારે જ્યારે મજા લેતા હો ઊંધિયના શાકની
દરેક મિત્રની ખાસીયત મમળાવશો, ઊંધીયું લાગશે જરા વધુ ચટાકેદાર.
