તારા વગર
તારા વગર
તારા વગર આ સાંજ જો ને ઉદાસ છે,
જાણે પ્રકૃતિએ નાખેલ ઘેરો નિશ્વાસ છે,
આકાશ, વાદળોમાં બધે જોઈ વળ્યો,
અણુઅણુમાં બસ તારી જ તલાશ છે,
આ ચાંદ પણ ભારેખમ લાગે છે જો ને,
શું એને પણ મારાં દર્દનો અહેસાસ છે ?
જાણું છું કે તું નથી અહીં છતાં પણ છે,
હવા સ્પર્શે તો લાગે, સ્પર્શે તારા શ્વાસ છે,
તારા છુટા વાળમાં મારો ચહેરો છુપાવી દે,
આંખ બંધ કરું તો થાય ભીતરે હાશ ! છે,
યાદ તારી આવે તો શબ્દો દગો દઈ જાય,
ઝંખનાઓ સળગે જાણે રોમરોમમાં પ્યાસ છે,
ભીતર એકાંતમાં તારી સાથે વાત કરું છું,
થાય કે તું અહીં જ મારી આસપાસ છે,
બહાર અંધકાર એ રીતે ઘેરી રહ્યો, જાણે,
ધરાને આલિંગન આપવા આકાશનો પ્રયાસ છે,
મજબૂર છું તને શબ્દોમાં નથી ઢાળી શક્તો,
તારી લાગણીઓ મારી ગઝલના પ્રાસ છે.