મહેંદી પ્રેમની
મહેંદી પ્રેમની
મહેંદી હાથમાં તે પ્રેમની મારા લગાવી છે,
હૃદયમાં પણ મિલનના ખ્વાબની દુનિયા સજાવી છે,
નથી આસાન શબ્દોમાં કહેવું જે હૃદયમાં છે,
રહીને મૌન તારી યાદમાં રાતો જગાવી છે,
હજી પણ સ્પર્શ તારો શ્વાસમાં મારા મહેકે છે,
નથી તું જાણતી ભીતર તે શું હરકત મચાવી છે,
ગણતરી પ્રેમમાં રાખી નથી ક્યારેય મેં કોઈ,
મેં જીતાડી તને ખુદ જાતને મારી હરાવી છે,
ગઝલની એટલે તો બોલબાલા છે અહીં મારી,
ગઝલને મેં હંમેશાથી હૃદય સાથે લગાવી છે,
નથી હું ધ્યાન દેતો આ જગતની વાત પર કોઈ,
ઘણી પાયા વગરની વાત લોકોએ ચગાવી છે,
ખુદા તું માફ કરજે કે નથી હું બંદગી કરતો,
બધી જ બંદગી મેં પ્રેમની માટે બચાવી છે.