તલાશ
તલાશ
ભીતરે કા તપાસ કરજે તું,
પ્રેમની કા તલાશ કરજે તું,
ભાગ્ય નિર્માણ ખુદ કરે છે તું,
સત્યની રોજ આશ કરજે તું,
રાખજે લોભ ના તું દેવામાં,
આપ, તો ના કચાશ કરજે તું,
બંદગી જો કરી શકે ના તો,
પ્રેમ કોઈને ખાસ કરજે તું,
લાગણી હોય છે ઘણી કોમળ,
ત્યાં કદી ના ખટાશ કરજે તું,
વાત જયારે હૃદય કરે ત્યારે,
તર્કથી ના ચિકાશ કરજે તું,
સત્ય કાયમ અજ્ઞાતમાં મળશે,
આંખ મીંચી પ્રવાસ કરજે તું,
આ જગતમાં રહી સદા સાક્ષી,
આ જગતમાં નિવાસ કરજે તું,
જ્ઞાન ના છે અજ્ઞાનના લીધે,
જ્ઞાનનો બસ પ્રકાશ કરજે તું,
મુક્ત રે'વા જો માંગતા હો તો,
ના કદી કોઈ દાસ કરજે તું,
>
સત્ય ક્યારેય ના મફત મળશે,
એકધારો પ્રયાસ કરજે તું,
લાયકાત વગર નથી મળતું,
વાત ખુદને એ ખાસ કરજે તું,
આ ખુદા પણ છે શોધમાં તારી,
બસ ફક્ત એની પ્યાસ કરજે તું,
અન્યની ભૂલ કાઢતા પ્હેલાં,
ભીતરે પણ તપાસ કરજે તું,
પ્રકૃતિ ના વળોટશે હદને,
એ જ હદમાં વિકાસ કરજે તું,
છે ખજાનો સદા અહીં ભીતર,
શાંત થઈને તલાશ કરજે તું,
સુખ ના આપ તો નથી ગમ,
કોઈને ના ઉદાસ કરજે તું,
દોડવાથી ન સત્ય પણ મળશે,
સ્થિર થઈ ખુદમાં વાસ કરજે તું,
પ્રેમમાં જાત હોમવી પડશે,
ગર્વનો સર્વનાશ કરજે તું,
આ ગઝલ માણવી છે તારે તો,
શબ્દનો યોગ્ય પ્રાસ કરજે તું.