અતિની ક્યાં કોઈ ગતિ છે
અતિની ક્યાં કોઈ ગતિ છે
અતિની ક્યાં કોઈ ગતિ છે ?
જેટલા મસ્તક એટલી મતિ છે,
પરાણે ચિતા પર ચડાવી દે જેને,
એ સ્ત્રી ખરેખર સતી છે ?
ચાહત પર તું આમ શંકા ન કર,
કોને ખબર છે શું નિયતિ છે,
પછડાટે એટલું તો જરૂર સમજાયું,
જીવનમાં ચડતી અને પડતી છે,
સ્મશાન વૈરાગ્ય ક્ષણનો જ હોય,
માથું મુંડાવે એ બધા જતી છે ?
પ્રેમભરી નજર પડે જો કોઈ પર,
કુબ્જા પણ અનુપમ રતી છે,
તું ભલે ને રિસાય મારાથી,
કહે આ લાગણી કોના પ્રતિ છે ?
ચાલ અંતિમ દાવ લગાવીએ પ્રેમમાં,
મારી તો બાજી સાવ ચત્તી છે,
ખામોશી તારી શબ્દોથી વધુ કહે છે,
જાણું છું કે મૌનમાં જ સંમતિ છે,
એક સીમા પછી શબ્દો લાચાર છે,
શબ્દોની પાર દિલની અનુભૂતિ છે,
સહજતાથી ફુટવા દે પ્રેમની કૂપણને,
આખરે તો પ્રેમ જ પ્રકૃતિ છે.