ચાતક થઈ
ચાતક થઈ
કેટલા જન્મો વીતાવ્યા છે અમે ચાતક થઈ,
આંગણે ઊભા રહ્યા છીએ સદા યાચક થઈ,
પ્રેમનો સંદેશ આપ્યો છે કદી વાહક થઈ,
આંખની ભાષા ઉકેલી છે અહીં વાંચક થઈ,
છે તમારી જિદ આ તો છે અમારી જિદ પણ,
આવશું મળવા તમોને એકદમ લાયક થઈ,
જિંદગીભરની કમાઈ આપવા તૈયાર છું,
એક પળ રમવા મળે જો ધૂળમાં બાળક થઈ,
શ્વાસ પણ મારા તમારી દેન છે આજે અહીં,
હર જીવાત્માને ગતિ આપો તમે ચાલક થઈ,
છો તમે ઉપલબ્ધ આ જગમાં સહજતાથી સદા,
પણ અમે જાણ્યાં તમોને હોત જો ભાવક થઈ,
પોટલું માથે લઈ ફરવું નથી મદનું અહીં,
ફક્ત પાળો છો તમે સંસારને પાલક થઈ.