તું મળી હશે
તું મળી હશે
કોઈ ઋણાનુબંધને લીધે તું મળી હશે,
કેટલા જન્મો બાદ દુઆઓ ફળી હશે,
તો જ મળે અસ્તિત્વનો અધૂરો ભાગ,
જયારે લાગણીમાં સાધના ભળી હશે,
એમ જ નહીં ખળભળતું હોય ભીતર,
જરૂર નજરમાં તારી નજર મળી હશે,
અનેક કાફ્લા પસાર થઈ ગયા જો ને,
તારી જ રાહ કેમ મારી તરફ વળી હશે ?
તારા નામ માત્રથી લોહી ગરમ થઈ ઊઠે,
અવશ્ય તારા માટે ક્યાંક જાત બળી હશે,
નસીબ છે કે કોઈના નામે દિલ ધડકે છે,
કેટલા જન્મો સુધી કર્મની ચકી દળી હશે,
ખામોશી એટલે તો સમજાય છે તારી,
ક્યારેક હૃદયે આંખોની ભાષા કળી હશે,
ચાહતમાં જ ઈબાદત પુરી થઈ જાય છે,
લાગણીઓ ખ઼ુદાએ ચારણીથી ગળી હશે ?
પ્રેમના વરદાનને શ્રાપ બનતો જોઈને,
ખ઼ુદાની રૂહ પણ કદાચ છળી હશે ?
પ્રેમનો પર્યાય હવે કેવળ એ જ બનશે,
જેના હોઠ પર પ્રેમની વાંસળી હશે.