સુહાગરાત
સુહાગરાત
કેટલાયના જીવનમાં એક રાત એવી આવી હશે,
રડતા હૈયે અને અશ્રુભીની આંખે વિદાય લીધી હશે.
ચોધાર આંસુડે રોતી મા ના કાળજાનો કટકો અલગ પડ્યો હશે,
મૂછે તાવ દેનારો કઠણ હૃદયનો બાપ પણ બેફાટ રડ્યો હશે.
ફૂલોથી સજેલી ગાડીની બારીમાંથી ડોકિયું કર્યું હશે,
અને વીતેલા બચપણની યાદોને આવજો કહ્યું હશે.
ટપકતા આંસુઓની ધારે ચુંદલડી તારી ભીંજાણી હશે,
ત્યારે કોઈ અજાણ્યા હાથે એક રૂમાલ આગળ ધર્યો હશે.
અજાણ્યા ઘરમાં કંકુ-ચોખા છાંટી એમનું સ્વાગત થયું હશે,
ઊંબરે ઉભી રાખી કળશ ઢોળી, કુમકુમ પગલીઓ પડાવી હશે.
ખુશ્બુદાર અતર ને ફોરમતાં ફુલડાંઓથી સેજ સજાવી હશે,
આ સેજ પર બેસી મનના માણિગરની રાહ નિહાળી હશે.
હળવેથી દરવાજો ખોલી કોઈ અંદર પ્રવેશ્યું હશે,
ધબકતા હૈયે ઘૂંઘટ ઉઠાવ્યો હશે અને બે પ્રેમીની આંખો મળી હશે.
કેટકેટલાય વર્ષોની પ્રતિક્ષા પછી આ રાત આવી હશે,
સૌના પોતપોતાના શમણા સાકાર થયા હશે.