સ્ત્રીનું સૌંદર્ય
સ્ત્રીનું સૌંદર્ય
રમે રૂપ મંહી રમણી, રમણીય રીત રજની
નિર્મેઘ નભે નયનરમ્ય નક્ષત્ર સુંદર સજની,
તિમિર ને તેજ તાદાત્મ્ય તવ તપસ્યા તલ્લિન
લલાટે લાલીભર્યું લડકવાયું લોચન થયું લીન,
મૃદુ મધુર મતવાલું મોહક મલકતું મન-ચાંદ
દિનકર ન દીસે દિવસે, સિતારા શોભાવે સાંજ,
રાત રળિયામણી રત્નથી, મરીચીથી મધ્યાહ્ન
કેશ કાળા કલામય કોકિલ કંઠ કામણ કરે આહ !
કિરણ કે કાલિમા, કમી કે કૃપા, કચડતાં કામણ
ઝુલ્ફ જાણે જડ્યું ઝવેરાત ઝાડે ઝીલવાં જમણ,
ચિત્તચોર ચમકતો ચહેરો ચૂસે ચીની ચાસણી
સૌમ્ય સુહાસિની શુભ સંકલ્પ સથવારે સણસણી,
રૂપ રંગાયું સૃષ્ટિ સંગે વળી માનુની મન માંહ્યલું
સ્નેહ શુદ્ધ, ગગન ગરજ-હિન, દિલ દયાળું દોહ્યલું,
નાસિકા નમણી ગાલ ગુલાબી ભોળી ભ્રમર ભૂરી
નિર્દોષ નખરાળી સૃષ્ટિ સમ શાંત સજ્જની સબૂરી,
ચમકતી ચાંદ તારલે જ્યમ રાત, 'દિ ગયો છે ગામ
શ્વેત શ્યામ, વધ ઘટ ચંદ્ર-કલા, પ્રેમ તણો એ જામ.

