સરદારનું ગીત - ૪
સરદારનું ગીત - ૪


વિદ્યાર્થીનેતા
એ નડિયાદની શાળામાં, બાળનેતા બનેલ રે;
એક બાળકનો દંડ, ત્યાં સાહેબે કરેલ રે,
વલ્લભને ગમે નૈ આ, પડાવી હડતાલ રે;
રખાવી બંધ શાળાને, ચાલી સચોટ ચાલ રે,
હેડમાસ્તર આ જાણી, વાપરે છે કુનેહ રે;
શાંતિથી સમજાવીને, દૂર કર્યો કલેહ રે,
એક શિક્ષક વેપારી, જેથી વેપાર થાય રે;
કાગળ આદિ પોતાના, લેવા ફર્જ પડાય રે,
આવી સાહેબની ધાક, નેતાથી ન સહાય રે;
બહિષ્કાર કરી એનો, એને ભાન કરાય રે,
સા’બ એક મહાનંદ, ચૂંટણીમાં રહેલ રે;
દેસાઈ એક તેઓના, હરીફ છે બનેલ રે,
હારું તો મૂછ મૂંડાવું, એવું છે અભિમાન રે;
પોકાર સાંભળી એવો, થ્યો વલ્લભ સભાન રે,
મિત્રો સાથે મળી તેણે, કર્યું સજ્જડ કામ રે;
દેસાઈ
હારતાં આજે, લૈ ગયા સૌ હજામ રે,
વલ્લભે તો બરોડામાં, પરાક્રમ કરેલ રે;
એ છોટાલાલ સાહેબ, ખૂબ છકી ગયેલ રે,
વર્ગમાં ગુજરાતીના, છોડી સંસ્કૃત જાય રે;
આ છોટાલાલથી એનો, ભેદભાવ રખાય રે,
વલ્લભ ગુજરાતીમાં, મૂકી સંસ્કૃત જાય રે;
ને છોટાલાલથી આવું, કેમ કરી સહાય રે,
વલ્લભને કહે તેઓ, હે ! પુરુષ મહાન રે;
રહે નૈ ગુજરાતીનું, છોડી સંસ્કૃત ભાન રે,
કહે વલ્લભ તો કોને, આપથી શિખવાત રે;
જો અમારા બધાથી જ, સંસ્કૃતને રખાત રે,
સાહેબ ખૂબ ગુસ્સે થ્યા, એકુનો દંડ થાય રે;
આવો અન્યાયનો દંડ, તેનાથી ન સહાય રે,
**
આચાર્ય બાજુ મોકલ્યો, ભાવિ અડગ વીરને;
આચાર્ય પારખે એના, કેળવાયેલ હીરને.
(ક્રમશ:)