સોપારી
સોપારી


વાંચતાં લખતાં શીખ્યો હતો દિકરો ત્યારથી,
માં બની ગઈ હતી "માસ્તર" દિકરાની,
દરેક ક્ષેત્રમાં જોવા પારંગત દિકરાને,
એ તો મિલ્ખાની જેમ દોડતી હતી.
સમાજ, દેશ, દુનિયાથી રાખવા જાગૃત,
બંધાવી દીધું હતું વર્તમાનપત્ર એને તો.
મોટે મોટેથી વાંચતો "શબ્દો" દિકરો ને
હોંશેહોંશે હરખાતી વહાલી "માં".
નવા નવા શબ્દો, ચિત્રો જોઇને કુતુહલવશ પૂછતો,
ને દિકરાની જિજ્ઞાસાવૃત્તિને હરખથી આપતી જવાબ.
"વાંચે ગુજરાત" મિશન સફળ થયાનું એ મનોમન આનંદ અનુભવતી.
હાથની આંગળી અચાનક થંભી ગઈ દિકરાની એક "શબ્દ" પર.
ને પૂછી લીધું કૂતુહલ થઈને સીધું માં ને,
"માં, સોપારી એટલે શું ?"
માં એ હસતાં હસતાં ફાયદા જણાવ્યા સોપારીના,
"વાત્ત, પિત્ત, કફ માં ઉપયોગી સોપારી,
પૂજા - પાઠ માં પણ ઉપયોગી સોપારી,
વળી ઘા ભરવામાં ઉપયોગી સોપારી."
માં ના જવાબથી મન વધારે ગૂંચવાયું દિકરાનું,
ને પછી ધીમેથી બોલ્યો,
"માં આટલા બધા ફાયદા છે સોપારી ના,
તો વર્તમાનપત્ર માં એવું કેમ છપાયું છે,
મારવા માટે ૧૦ લાખની સોપારી આપી ?"
દિકરાના માસૂમ સવાલ સામે ,
"નિ:શબ્દ" બની ગઈ માં.