દારૂડિયાની પત્ની
દારૂડિયાની પત્ની
જયારે જોતી એને દારૂના નશામાં
ત્યારે કૂકરની સીટીની જેમ બૂમ પાડતી
સત્યના સિદ્ધાંત પર જીવતી હતી એટલે જ
સત્ય ખાતર લડાઈ કરી લેતી,
દાળ શાક ને વળી રોટલીની સાથે
પોતે પણ શેકાઈ જતી હતી,
બાધાઓ રાખતી ને ભગવાનને કરગરતી
સમજાવવા જતી તો મારઝૂડની પ્રસાદી મેળવતી
મૌન ધારણ કરીને નારાજગી વ્યક્ત કરતી એ
અને એકલતાનો શિકાર થતી,
બધા ઉપાયો અજમાવી ચૂકી હતી છતાં એ
"આશા અમર છે" એમ મનમાં બબડતી,
સતરંગી સપના
ઓ લોક થતાં જોતી દારૂની બોટલમાં એ
અને અંધકારમય ભવિષ્યનો અંદાજ લગાવતી,
પોતાનાઓથી રિસાતી ને પછી
જાતે જ પોતાની જાતને મનાવી લેતી હતી,
સંસ્કારી બાપની દીકરી હતી એટલે
ભીની પાંપણોને સમજાવતી હતી,
અને પછી એક દિવસ.......
એને પોતાનું આત્મસન્માન યાદ આવ્યું,
હૈયે હાથ મૂક્યો ને મૃત ધબકારાને જીવતો કર્યો
ને એકલતામાં સંગીતના સૂરને પૂરાવવા લાગી
અને પોતાના માટે જીવવા લાગી
કારણકે......
એણે એને એની ખોટી આદતો સાથે સ્વીકારી લીધો હતો.