સિત્તેરનો થયો તું બાંકે પ્યારે
સિત્તેરનો થયો તું બાંકે પ્યારે
બીપી, ડાયાબિટીસ રાખ કાબુમાં ભાવતાં ભોજન છોડને,
સુપ, સલાડ ને ફળ ખા, સિત્તેરનો થયો તું બાંકે પ્યારે !
કલાક આઠ પૂરાં સુઈ છોડતાં પથારી બે ઘડી ખમજે,
મલાજો રાખ મગજનો, સિત્તેરનો થયો બાંકે પ્યારે !
હળવી કસરત, ચાલવું નિયમિત તંદુરસ્તીના નિયમ બનાવજે,
કકળાટ મોબાઈલનો કર ઓછો, સિત્તેરનો થયો બાંકે પ્યારે !
પગથિયાં પડશે ભારે, મચકોડાશે પગ જ્યારે,
રાખ મલાજો ઉંમરનો, સિત્તેરનો થયો બાંકે પ્યારે !
ચાલશે, મટી જશે, ઘરગથ્થુ ઈલાજ કરીએ છીએ ને,
એવા વહેમમાં રહેવું ના, સિત્તેરનો થયો તું બાંકે પ્યારે !
દવા તરીકે દારૂ બહુ પીધો, હવે દવાની જરૂર તારે,
મલાજો રાખ લિવરનો, સિત્તેરનો થયો બાંકે પ્યારે !
કાઢ્યા ઘણા વર્ષો ઉપાડી ભાર, ટટ્ટાર ચાલવું છે ને,
વજન કર હળવું સિત્તેરનો થયો તું બાંકે પ્યારે !
અહમ્ છોડ, શોખ ફરવાનો કરવા પૂરો ગાડી ભાડે કરને,
ભય અકસ્માતનો બહુ હવે, સિત્તેરનો થયો બાંકે પ્યારે !
જીવનભર કર્યું વૈતરું હવે ટેસડા કરવાનો સમય કાઢજે,
ખરચ પૈસા મોજમાં રહેવા, સિત્તેરનો થયો બાંકે પ્યારે !
બચાવી રાખ ખુદને સાટું સ્વાભિમાનથી જીવવા જોઈશે ને,
બધું દે ના લૂંટાવી સૌ પર, સિત્તેરનો થયો તું બાંકે પ્યારે !
શોખ બધાં કરી લે પૂરાં, મરવાનાં વાંકે થોડું જીવાય છે ?
મોત અફસોસરહિત માણ, સિત્તેરનો થયો તું બાંકે પ્યારે !

